Biparjoy Cyclone: વાવાઝોડા દરમિયાન રાખવાની સાવચેતી

Biparjoy Cyclone: અરબી સમુદ્રમાં સર્જાયેલ શક્તિશાળી ચક્રવાત બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય 14-15 જુન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે. વાવાઝોડું 150 કિમી પવન સાથે જખૌના કાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે.

Biparjoy Cyclone

15 તારીખના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલ જખૌ બંદર ખાતે ત્રાટકવાની સંભાવના છે તો તંત્ર દ્વારા રક્ષણ માટેની તમામ તૈયારીઓ કરી લીધેલી છે પરંતુ લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે.

વાવાઝોડા પહેલા શુ કરવું જોઈએ?

 • આગાહી માટે રેડિયો, ટીવી સમાચારો, જાહેરાતોના સંપર્કમાં રહેવું. બેટરીથી ચાલતા રેડિયોનો ઉપયોગ કરશો.
 • સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
 • જો આપ જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું સલાહભર્યું છે.
 • આપના જાનમાલની સુરક્ષા માટે વહિવટી તંત્ર દ્વારા સલામત સ્થળ અથવા આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવે તો આપનો સહકાર આપશો.
 • સ્થળાંતર સમયે ગભરાટ કર્યા વગર આપના સામાન તેમજ ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો.
 • ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડા, વધારાની બેટરી, ધાબળા અને પ્રાથમિક સારવારની કિટ જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તીઓ ભેગી કરી તૈયારી રાખવી.
 • આપના અગત્યના દસ્તાવેજો, આપના ફોટોગ્રાફ સાથેના ઓળખપત્રો તેમજ બ્લડ ગ્રુપની માહિતી સાથે રાખો.
 • દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું.
 • માછીમારોએ દરિયામાં જવું નહી, સલામત સ્થળે બોટને લંગારવી.
 • અફવા ફેલાવશો નહી, શાંત રહો, ગભરાશો નહી.
 • જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો.
 • બાળકોને વાવાઝોડા વિશે સમજણ આપો. જેથી ભય દૂર થશે અને આપત્તિ સમયે ઝડપથી સલામતીભર્યા પગલા લેવાની સૂઝ વિકસતે.
 • આપના આવાસની મજબુતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરવાનો પ્રયત્ન કરો.
 • બિમાર વ્યક્તિઓ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાત દિવસ ચાલે તેવી વ્યવસ્થા રાખો.
 • વૃક્ષોના સુકા અને રોગયુક્ત ભાગો કાપી નાખો જેથી ફૂંકાતા પવનને લીધે તેઓના પડી જવાથી થતું નુકશાન અટકી શકે. નબળી ડાળીઓ પણ કાપી નાખો.
 • વાહનો ચાલી શકે તેવી સ્થિતિઓમાં રાખો.

વાવાઝોડા દરમિયાન શુ કરવું જોઈએ?

 • વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહી.
 • જર્જરીત મકાન, ઝાડ, વીજળીના થાંભલા કે લાઈનો ઉપરાંત દરિયા નજીક આશ્રય લેવો નહી કે ઉભા રહેવું નહી.
 • વીજ પ્રવાહ તથા ગેસ ક્નેક્શન બંધ કરી દેવા.
 • રેડિયો-ટીવી પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
 • વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી.
 • ખોટી અથવા અધુરી જાણકારી માહિતી અર્થાત અફવા, ફેલાતી અટકાવો, આધારભૂત સુચનાઓને અનુસરો.

વાવાઝોડા બાદ શુ કરવું જોઈએ?

 • ખુલ્લા છુટ્ટા પડેલા વાયરોને અડકવું નહી.
 • અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહી.
 • બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, કંટ્રોલ રૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
 • અસરગ્રસ્તોની મદદ કરવી – જરૂર હોય તો દવાખાને કે સલામત સ્થળે લઈ જવા.
 • ભયજનક મકાનોને ઉતારી લેવા.
 • ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો.
 • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.
 • સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ સૂચનાઓ અનુસરો.

નોંધ: વાવાઝોડા દરમ્યાન રાખવાની સાવચેતી ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા અપાતી તમામ સૂચનાઓનું પાલન કરતા રહો અને વહીવટી તંત્રના સંપર્કમાં રહો.

વાવાઝોડા દરમ્યાન રાખવાની સાવચેતી માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે.

Sharing Is Caring: